*બેસતું વર્ષ*
બેસતું વર્ષ એટલે કારતક સુદ એકમ, જે દિવાળી પછીનો દિવસ છે અને આ દિવસથી ગુજરાતી નવુ વર્ષ શરૂ થતું હોવાથી તેને બેસતા વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. દિવાળી પછીના દિવસને ગુજરાતમાં નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસથી નવું વિક્રમ સંવત વર્ષ શરૂ થાય છે. બેસતું વર્ષ જેને આપણે નૂતન વર્ષ પણ કહીએ છીએ. હિંદુ ધર્મમાં આ દિવસનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. આ દિવસે લોકો એકબીજાને નવા વિક્રમ સંવત વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે.
નવા વિક્રમ સંવત વર્ષના પ્રથમ દિવસે લોકો મંદિરોમાં જાય છે અને દેવી-દેવતાના દર્શન કરે છે, આ રીતે નવા વર્ષની શરૂઆત કરે છે. નવા વર્ષે મહિલાઓ ઘરના આંગણામાં દીવો પ્રગટાવે છે. સ્વાદિષ્ટ અને અવનવી વાનગીઓ બનાવે છે. આ દિવસે નાના બાળકોથી લઈને મોટા લોકો નવા કપડાં પહેરે છે અને એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ આપે છે. બેસતા વર્ષના દિવસે સાલ મુબારક અને નૂતન વર્ષાભિનંદન કહીને એકબીજાને શુભેચ્છા પાઠવવા આવે છે. સાલનો અર્થ વર્ષ અને મુબારક જે મૂળ અરેબિક શબ્દ છે, તેનો અર્થ શુભેચ્છા અથવા આશિષ થાય છે. ગુજરાતીમાં લોકો નૂતન વર્ષાભિનંદન અને અંગ્રેજીમાં HAPPY NEW YEAR કહે છે. હિન્દી ભાષા બોલતા પ્રદેશોમાં લોકો नया साल मुबारक हो। કહે છે. નવુ વર્ષ એટલે શુભ સંકલ્પનો દિવસ. નવા વર્ષે લોકો શુભ સંકલ્પ લે છે.
વિક્રમ સંવત એ ભારતીય ઉપખંડમાં પ્રચલિત એવા હિંદુ ધર્મના વૈદિક પંચાંગની એક પ્રણાલી પ્રમાણે વર્ષનું નામ છે. એક માન્યતા પ્રમાણે રાજા વિક્રમાદિત્યએ શક રાજાઓને હરાવીને અવન્તિ દેશને મુક્ત કર્યો હતો એના માનમાં ઈસવીસન પૂર્વે છપ્પનમાં આ સંવતની શરુઆત કરવામાં આવી હતી. વિક્રમ સંવત મુજબ વર્ષના બાર મહિનાઓ મુજબ છે : કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો.
નવા વર્ષમાં ઈશ્વર આપને અને આપના પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એ જ શુભકામના.
"સાલ બદલાશે,
વહાલ નહીં !"
"અંતરની અયોધ્યામાં રામનો વાસ હો,
આંગણે આપના દિવાળી બારેમાસ હો."
HAPPY NEW YEAR
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment