*લક્ષ્મી સહગલ (કૅપ્ટન લક્ષ્મી)*
લક્ષ્મી સહગલ (Lakshmi Sahgal) (જન્મ સમયનું નામ લક્ષ્મી સ્વામીનાથન) (જન્મ : ૨૪ ઑક્ટોબર ૧૯૧૪ - અવસાન : ૨૩ જુલાઈ, ૨૦૧૨) ભારતીય સ્વાતંત્ર્ય ચળવળના ક્રાંતિકારી, ભારતીય રાષ્ટ્રીય સૈન્યના અધિકારી અને આઝાદ હિન્દ સરકારમાં મહિલા બાબતોના પ્રધાન હતા. લક્ષ્મી સહેગલને ભારતમાં સામાન્ય રીતે "કૅપ્ટન લક્ષ્મી" તરીકે ઓળખવામાં આવે છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બર્મામાં કેદી બનાવવામાં આવતા તેણીના નામનો પદ સહિત આ રીતે ઉલ્લેખ થયો હતો.
લક્ષ્મી સહગલનો જન્મ ૨૪ ઑક્ટોબર, ૧૯૧૪ ના રોજ અનાક્કારા (Anakkara), (પલક્કડ), મલબાર, મદ્રાસ પ્રેસિડેન્સી, બ્રિટિશ ભારતમાં થયો હતો. તેણીના પિતાનું નામ એસ. સ્વામીનાથન હતું. તેઓ મદ્રાસ હાઈકોર્ટમાં એક વકીલ હતા. લક્ષ્મી સહગલની માતાનું નામ એ. વી. અમ્મુકુટી (અમ્મુ સ્વામીનાથન) હતું. તેણી મૃણાલિની સારાભાઈની મોટી બહેન છે. અમ્મુ સ્વામીનાથન એક સમાજસેવિકા અને સ્વતંત્રતા કાર્યકર હતા.
લક્ષ્મી સહગલનું સમગ્ર શિક્ષણ મદ્રાસ(હવે ચેન્નાઈ)માં થયું હતું. લક્ષ્મી સહગલે Queen Mary's Collegeમાં અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેમણે વૈદક ક્ષેત્રે અભ્યાસ કરવાનું પસંદ કર્યું અને વર્ષ ૧૯૩૮ માં મદ્રાસ મેડિકલ કૉલેજમાંથી એમ. બી. બી. એસ.ની ડિગ્રી મેળવી. એક વર્ષ પછી, તેમણે સ્ત્રીરોગવિજ્ઞાન અને પ્રસૂતિ વિજ્ઞાનનો ડિપ્લોમા મેળવ્યો. તેમણે ચેન્નઈના ટ્રીપ્લીકેનમાં આવેલી કસ્તુરબા ગાંધી સરકારી હોસ્પિટલમાં ડૉક્ટર તરીકે સેવા આપી હતી.
વર્ષ ૧૯૪૦ માં લક્ષ્મી સહગલ સિંગાપુર ગયા. સિંગાપુર ખાતે દાક્તરીનો વ્યવસાય શરૂ કર્યો. સિંગાપોર ખાતેના રોકાણ દરમિયાન તેઓ સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફોજના કેટલાક સભ્યોને મળ્યાં હતાં. નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રેરણાથી લક્ષ્મી સહગલ આઝાદ હિંદ ફોજમાં જોડાયાં. ઑક્ટોબર ૧૯૪૩માં આઝાદ હિંદ ફોજમાં ‘રાણી ઝાંસી બ્રિગેડ’ની સ્થાપના થતાં લક્ષ્મી સહગલ તેનાં સેનાપતિ નિમાયાં. ડૉક્ટર લક્ષ્મી સ્વામીનાથન કેપ્ટન લક્ષ્મી બન્યા, અને એ જ નામ અને ઓળખ તેમની સાથે જીવનભર રહી.
કેપ્ટન લક્ષ્મીની મે ૧૯૪૫ માં બ્રિટિશ સૈન્ય દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, માર્ચ ૧૯૪૬ તેઓ સુધી બર્મામાં રહ્યા, ત્યાર બાદ તેમને ભારત મોકલવામાં આવ્યા. વર્ષ ૧૯૪૬માં લક્ષ્મી સહગલ સ્વદેશ પરત ફર્યાં. લક્ષ્મી સહગલે માર્ચ ૧૯૪૭ માં પ્રેમકુમાર સહગલ સાથે લગ્ન કર્યા. તેમના લગ્ન પછી તેઓ કાનપુર સ્થાયી થયા, જ્યાં તેમણે પોતાની તબીબી સેવા ચાલુ રાખી હતી.
વર્ષ ૧૯૭૧ માં તેઓ ભારતીય સામ્યવાદી પક્ષમાં જોડાયા અને રાજ્યસભામાં પક્ષનું પ્રતિનિધિત્વ કર્યું. વર્ષ ૧૯૮૧માં ઑલ ઈન્ડિયા ડેમોક્રેટિક વિમેન્સ એસોસિએશનના સ્થાપક સભ્યોમાંના તેઓ એક હતા અને તે સંસ્થાની ઘણી પ્રવૃત્તિઓ અને અભિયાનોનું તેમણે નેતૃત્વ કર્યું હતું. ડિસેમ્બર ૧૯૮૪ માં ભોપાલ ગેસ દુર્ઘટના બાદ તેણીએ ભોપાલ તરફ એક તબીબી ટુકડી દોરી અને તેનું નેતૃત્વ કર્યું હતું.
વર્ષ ૧૯૯૮ માં લક્ષ્મી સહગલને ભારતનાં રાષ્ટ્રપતિ કે.આર. નારાયણનના હસ્તે પદ્મવિભૂષણ એનાયત કરાયો હતો. લક્ષ્મી સહગલનું અવસાન ૨૩ જુલાઈ, ૨૦૧૨ ના રોજ ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે થયું હતું.
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.



0 Comments:
Post a Comment