કીર્તિ તોરણ એ ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના વડનગરમાં આવેલા બે તોરણો (સુશોભન પ્રવેશદ્વાર) છે. ૧૨મી સદીમાં બાંધવામાં આવેલાં આ તોરણો મારુ-ગુર્જર સ્થાપત્યશૈલીના ઉદાહરણો છે.
૧૨મી શતાબ્દીના આ બે તોરણો શહેરના કોટ વિસ્તારની ઉત્તરે, શર્મિષ્ઠા તળાવના કાંઠે આવેલા છે. આ તોરણો પૈકી પૂર્વ તરફના તોરણનું બાંધકામ અકબંધ હતું જ્યારે બીજું ખંડિત થઈ ગયું હતું. ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ (એએસઆઈ) દ્વારા ૨૦૦૭માં આ ખંડિત તોરણનો જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. પૂર્વ તરફમાં આવેલું તોરણ વર્તમાનમાં ગુજરાતના પ્રતીક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તે ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ દ્વારા સંરક્ષિત રાષ્ટ્રીય મહત્ત્વનાં સ્મારક છે.
કમાનને ટેકો આપતા સ્તંભોની જોડી તરીકે બંધાયેલા આ તોરણો લગભગ ૪૦ ફૂટ (૧૨ મીટર) ઊંચા છે, જે લાલ અને પીળા રેતીયા પથ્થરોથી બાંધવામાં આવ્યા છે. આ બંને તોરણોનું મુખ પૂર્વ તરફનું છે. તેઓ પ્રવેશદ્વારોના કેટલાક હયાત ઉદાહરણો પૈકીના એક છે, જે એક સમયે સોલંકી યુગમાં ગુજરાતના સ્થાપત્ય (મારુ-ગુર્જર સ્થાપત્ય)નું નિયમિત લક્ષણ હતું. તેમની કોતરણીની શૈલી સિદ્ધપુરના રુદ્ર મહાલય મંદિર અને મોઢેરા સૂર્ય મંદિરના સ્તંભો જેવી જ છે, જે સૂચવે છે કે તેઓ સમાન સમયગાળાના છે. કદાચ યુદ્ધના વિજય પછી બાંધવામાં આવેલું આ સ્થાપત્ય યુદ્ધ અને શિકારના દૃશ્યોની કોતરણીથી શણગારવામાં આવ્યું છે. તેના સ્તંભો અને કમાનોના પાયા ભૌમિતિક આકારો (સમભૂજ ચતુષ્કોણ) અને ફૂલોની ભાત (પાંદડા, વેલાઓ અને કમળ), પ્રાણીઓની ભાત, વિવિધ પ્રવૃત્તિઓમાં રોકાયેલી માનવ આકૃતિઓ અને વિવિધ ભંગિમામાં દર્શાવેલી દૈવી આકૃતિઓથી શણગારવામાં આવેલા છે. આ સ્તંભોમાં પદ્મ, કણી, કીર્તિમુખ, ગજથરા (હાથીની કોતરણીવાળી તકતી), નરથરા (માનવ આકૃતિની કોતરણી વાળી તકતી) શિલ્પયુક્ત કુંભ જેવા તત્ત્વો જોવા મળે છે.
સ્તંભશિખરો અણીદાર છે જેને કોતરણીવાળા પાંદડા અને ગ્રિફિન (સિંહનું શરીર અને ગરુડના માથું ધરાવતું, પાંખોવાળું એક કલ્પિત પૌરાણિક પ્રાણી) તથા અર્ધવર્તુળાકાર કમાનોથી ટેકો આપવામાં આવ્યો છે. તેની ટોચ પર આસન પર બિરાજેલા કાર્તિકેયની એક છબી છે, જેની પડખે ગણેશ અને મકર (એક કલ્પિત પૌરાણિક પ્રાણી)ની આકૃતિઓ છે. સંખ્યાબંધ સ્ત્રી આકૃતિઓ પણ ટોચને અલંકૃત કરે છે.
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.


0 Comments:
Post a Comment