સુનિતા વિલિયમ્સ
સુનિતા વિલિયમ્સ (જન્મ : ૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૫) યુનાઇટેડ સ્ટેટ્સના નૌકાદળના અધિકારી અને નાસા (NASA) ના અવકાશયાત્રી છે. તેમને અભિયાન ૧૪ના એક સભ્ય તરીકે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની કામગીરી સોંપવામાં આવી હતી અને પછી તેઓ અભિયાન ૧૫માં જોડાયા હતા. તેઓ સ્ત્રી અવકાશયાત્રી તરીકે અવકાશની સૌથી લાંબી સફર (૧૯૫ દિવસ) કરવાનો વિક્રમ ધરાવે છે.
સુનીતા વિલિયમ્સ ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી છે. તેઓ મૂળ ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝુલાસણ ગામનાં છે; કારણ કે તેમના ડૉક્ટર પિતા દીપક પંડયાનો જન્મ ઝુલાસણ ગામમાં થયેલો અને યુવાવસ્થા સુધીનો ગાળો તેમણે તે ગામમાં જ પસાર કરેલો. ડૉક્ટર બન્યા પછી દીપક પંડયા વર્ષ ૧૯૬૦માં અમેરિકા ગયા હતા. હાલ તેઓ અમેરિકાનાં મૅસેચ્યૂસેટ્સ (Massachusetts)નાં ફાલમાઉથ (Falmouth)માં રહે છે.
સુનીતાનો જન્મ અમેરિકાના યુક્લિડ, ઓહિયો ખાતે થયો હતો. સુનીતાનાં પિતાનું નામ ડૉ. દીપક પંડયા અને માતાનું નામ બોની પંડયા છે. સુનીતા વિલિયમ્સે હાઈસ્કૂલનું શિક્ષણ મૅસેચ્યૂસેટ્સમાંથી મેળવ્યું હતું. ત્યારબાદ તેઓ અમેરિકાની નેવલ અકાદમી મેરીલેન્ડમાં ઉચ્ચ શિક્ષણ માટે જોડાયેલાં, જ્યાંથી તેઓ ભૌતિકવિજ્ઞાનમાં બી.એસ.ની પદવી મેળવીને સ્નાતક થયા હતા. ત્યારબાદ તેઓ ફ્લૉરિડા ઇન્સ્ટિટટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજીમાં જોડાયાં અને એન્જિનિયરિંગ મૅનેજમેન્ટ વિષયમાં એમ.એસ.ની પદવી મેળવીને અનુસ્નાતક થયા હતા. સુનીતાએ માઈકલ વિલિયમ્સ સાથે લગ્ન કર્યા હતા.
જૂન ૧૯૯૮માં NASAએ અવકાશયાત્રી માટેની તાલીમ આપવા માટે સુનીતા વિલિયમ્સની પસંદગી કરી અને ઑગસ્ટ, ૧૯૯૮માં તેમના તે અંગેની તાલીમ લેવાની શરૂઆત થઈ. ‘ઍટલાન્ટિસ' નામના અવકાશયાનમાં અંતરિક્ષની સફર કરવા માટે જે કેટલાક લોકોની પસંદગી થઈ તેમાં સુનીતા વિલિયમ્સની પણ પસંદગી કરવામાં આવી હતી. 'નાસા'એ પસંદગી પામેલ આ જૂથને પ્રશિક્ષણ આપ્યું હતું. ૧૦ ડિસેમ્બર, ૨૦૦૬ ના રોજ તેમનો આ પ્રવાસનો પ્રારંભ થયેલો અને ૨૨ જૂન, ૨૦૦૭ના રોજ તે પૂરો થયો હતો. આ અંતરિક્ષ પ્રવાસ દરમિયાન સુનીતા વિલિયમ્સે કોઈ પણ મહિલા અંતરિક્ષયાત્રી કરતાં સૌથી વધુ સમય અંતરિક્ષમાં રહેવાનો નવો વિક્રમ સ્થાપિત કર્યો. ૧૯૫ દિવસ તે અંતરીક્ષમાં ઍટલાન્ટિસ યાનમાં રહ્યાં હતાં.
સુનીતા વિલિયમ્સે તેમના અંતરિક્ષના આ પ્રવાસ દરમિયાન જે બીજો વિશ્વ વિક્રમ પ્રસ્થાપિત કર્યો હતો તે લાંબામાં લાંબા સમય દરમિયાન સ્પેસ વૉકનો હતો. તેમણે ૨૯ કલાક અને ૧૭ મિનિટ સ્પેસ વૉક કરીને વિશ્વ વિક્રમ પ્રસ્થાપિત કર્યો હતો. ઉપરાંત એપ્રિલ, ૨૦૦૭માં અવકાશમાં મૅરેથૉન કરનાર સુનીતા દુનિયાનાં સર્વપ્રથમ મહિલા અંતરિક્ષયાત્રી બન્યાં હતાં. મૅરેથૉન માટે તેણીએ ૪ કલાક અને ૨૪ મિનિટનો સમય લીધો હતો. મિશનના અંતે ૨૨ જૂન, ૨૦૦૭ નાં રોજ તેઓ પૃથ્વી પર પાછા ફર્યા હતા. અવકાશમાં ૧૯૫ દિવસ (૧૯૪ દિવસ, ૧૮ કલાક અને ૫૮ મિનિટ)નાં રોકાણ બાદ સુનીતા વિલિયમ્સ પૃથ્વી પર પાછા ફર્યા હતા.
સપ્ટેમ્બર ૨૦૦૭માં સુનીતા વિલિયમ્સે ભારતની મુલાકાત લીધી હતી. તેમણે ગુજરાતમાં સાબરમતી આશ્રમની અને તેમના વતનના ગામ ઝુલાસણની મુલાકાત લીધી હતી. વર્ષ ૨૦૦૮માં ભારત સરકાર દ્વારા સુનીતા વિલિયમ્સને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
૫ જૂન, ૨૦૨૪ રોજ સુનીતા વિલિયમ્સ અને બેરી બુચ વિલ્મોર બૉઇંગ કંપનીના સ્ટારલાઇનર નામના સ્પેસક્રાફ્ટમાં અંતરિક્ષમાં ગયાં હતાં, પરંતુ તકનીકી ખામીઓને કારણે આઠ દિવસ માટે અંતરિક્ષમાં ગયેલાં બંને અંતરિક્ષયાત્રીઓ હજી સુધી પાછાં આવી નથી શક્યાં. ત્રણ મહિનાથી પણ વધુ સમયથી અંતરિક્ષમાં રહેલાં સુનીતા વિલિયમ્સ અને બેરી બુચ વિલ્મોર આવતાં વર્ષે ફેબ્રુઆરી ૨૦૨૫ માં પાછા ફરે તેવી શક્યતા છે. દુનિયાભરના કરોડો લોકો આ ઘટના પર નજર રાખી રહ્યા છે.
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment