ગૌતમ બુદ્ધ
સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ એ બૌદ્ધ ધર્મના સ્થાપક છે. ઇ.સ. પૂર્વે ૫૬૬માં બુદ્ધનો જન્મ કપિલવસ્તુ નગરીમાં શાક્ય ક્ષત્રિય પરિવારમાં થયો હતો. જન્મ સમયે તેમનું નામ સિદ્ધાર્થ હતું. જન્મના કેટલાક દિવસો બાદ માતાનું અવસાન થતાં તેમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું. ગૌતમ બુદ્ધ ૮૦ વર્ષ જીવ્યા હતા. ગૌતમ બુદ્ધને શાક્યમુનિ પણ કહેવાય છે.
જન્મ અને શરૂઆતનું જીવન
પ્રચલિત માન્યતાઓ પ્રમાણે સિદ્ધાર્થ ગૌતમનો જન્મ મૌર્ય રાજા અશોકના શાસનના ૨૦૦ વર્ષ પહેલા થયો હતો. તેઓનો જન્મ પ્રાચીન ભારતના લુમ્બિનિમાં, જે આજે નેપાળમાં છે, થયો હતો. રાજા શુદ્ધોધન તેમના પિતા અને રાણી મહામાયા તેમના માતા હતા. તેમનાં જન્મ વખતે અથવા તેના થોડાજ સમય બાદ (૭ દિવસ) માતા મહામાયા/માયાવતીનું અવસાન થયું હતું. એમના નામકરણ વખતે ઘણાં વિદ્વાનોએ ભવિષ્યવાણી કરી હતી કે તેઓ મહાન રાજા અથવા મહાન સદ્પુરુષ બનશે.
એક રાજકુમાર હોવાથી સિદ્ધાર્થ ગૌતમનો વૈભવી રીતે ઉછેર થયો હતો. ૧૬ વર્ષની વયે તેમનાં લગ્ન યશોધરા સાથે કરવામાં આવ્યા હતા. સમય વહેતા તેમને રાહુલ નામના પુત્રનો જન્મ થયો. જે જોઈએ એ બધું જ હોવા છતાં તેમને એવું લાગતું કે ભૌતિક સુખ જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય નથી.
મહાભિનિષ્ક્રમણ
૨૯ વર્ષની ઉંમરે એક દિવસ નગરચર્યા દરમ્યાન તેમણે એક વૃદ્ધ વ્યક્તિ, એક રોગી વ્યક્તિ, એક સડી રહેલ મડદું અને એક સાધુને જોયા. આની તેમના માનસ પર ઊંડી અસર થઈ. જીવનના આ દુઃખોમાંથી મુક્તિનો માર્ગ શોધવા તેમણે વૈભવી જીવન છોડી એક ભિક્ષુક તરીકે જીવવા પ્રયાણ કર્યું .
બોધિ પહેલાનું સંન્યાસી જીવન
સિદ્ધાર્થ સૌ પ્રથમ રાજગૃહ ગયા અને ત્યાં ઘરે ઘરે ભિક્ષા માગી સન્યાસી જીવનની શરૂઆત કરી. મગધ નરેશ બિંદુસારને જયારે આ વાતની જાણ થઈ ત્યારે, તેઓ સિદ્ધાર્થ પાસે ગયા અને પોતાનું રાજ્ય આપવાનો પ્રસ્તાવ મુક્યો. સિદ્ધાર્થે રાજાનો પ્રસ્તાવ નમ્રતા પુર્વક ઠુકરાવ્યો, પણ બોધિ પ્રાપ્તિ પછી સૌ પ્રથમ મગધની મુલાકાત લેવાનું વચન આપ્યું.
મગધ છોડયા પછી સિદ્ધાર્થ આલારા કલામ નામના ગુરૂના શિષ્ય બન્યા. થોડાજ સમયમાં તેઓએ આલારા કલામ દ્વારા શીખવવામા આવતી બધીજ વિદ્યા પર પ્રભુત્વ મેળવ્યુ. પણ સિદ્ધાર્થને આથી સંતોષ થયો નહીં અને તેઓએ ગુરૂ પાસેથી જવાની રજા માંગી. ગુરુએ સિદ્ધાર્થને પોતાની પાસે રહીને અન્ય વિધ્યાર્થીઓને શીખવવાનું આમંત્રણ આપ્યું પણ સિદ્ધાર્થે તેનો નમ્રતા પુર્વક અસ્વીકાર કર્યો. હવે સિદ્ધાર્થ ઉદ્રક રમાપુત્ર નામના ગુરૂના શિષ્ય બન્યા. અહી પણ પહેલા મુજબ જ બન્યું અને સિદ્ધાર્થે ઉદ્રક રમાપુત્ર પાસેથી રજા લીધી.
હવે સિદ્ધાર્થ ઉરુવેલા પહોચ્યાં જ્યાં નિરંજના નદીના કિનારે કૌડિન્ય પોતાના પાંચ સાથીઓ સાથે કઠોર તપસ્યા કરી રહ્યા હતા. હવે સિદ્ધાર્થનો ખોરાક દિવસનું એક ફળ માત્ર હતો. ઘણા સમય સુધી આ રીતે કઠોર તપસ્યા કરવાથી સિદ્ધાર્થનું શરીર ખુબજ નબળું થઈ ગયું. એક દિવસ નદીમાં સ્નાન કરી બહાર આવતી વખતે તેઓ ચક્કર આવવાથી પડી ગયા. હવે સિદ્ધાર્થેને વિચાર થયો જો ભુખથી મરી જઈશ તો ધ્યેયની પ્રાપ્તિ કેવી રીતે થશે. હવે તેઓએ અતિકઠોર તપસ્યા અને એશોઆરામ વચ્ચેનો મધ્યમ માર્ગ અપનાવવાનો નિશ્ચય કર્યો. તેઓએ સુજાતા નામની છોકરી પાસેથી ખીર ખાઈ ઉપવાસના પારણા કર્યા અને નવા જોમ સાથે તપસ્યાની શરૂઆત કરી.
બોધિની પ્રાપ્તિ
સન્યાસી જીવન દરમિયાન આનાપાન-સતી (શ્વાસોચ્છવાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિયા) અને [વિપશ્યના] ના અભ્યાસ દ્વારા ૩6 વર્ષની વયે તેમને વૈશાખી પૂર્ણિમા ની રાત્રિએ ,પીપળાના વૃક્ષ ની નીચે બોધિ પ્રાપ્ત થઈ અને તેઓ [બુદ્ધ] કહેવાયા.આ સ્થળ હાલમાં બુધ્ધગયા કે બોધિગયા (બિહાર) તરીકે ઓળખાય છે,ત્યાંથી તેઓ સારનાથ ગયા અને પ્રથમ વખત ઉપદેશ આપ્યો. લગભગ ૪૫ વર્ષ સુધી તેમણે અલગ અલગ જગ્યાએ પગપાળા ચાલીને ધર્મનો ઉપદેશ આપ્યો.
શેષ જીવન
બોધિ પ્રાપ્ત કર્યા પછીનું જીવન તેમણે લોકોમાં જ્ઞાનનાં પ્રસાર અને તેમના દુઃખની મુક્તિ માટે ગાળ્યા.
મહાપરિનિર્વાણ
ચારિકા કરતા કરતા તેમના અંતીમ દિવસોમાં બુદ્ધ પાવા પહોંચ્યા. ત્યાં તેમણે ચુંદ નામના એક વ્યક્તિના ઘરે અંતિમ ભોજન લીધું. તે પછી તેઓ બીમાર પડી ગયા. તે નેપાળની તળેટીના પૂર્વાંચલમાં આવેલા કુસીનારા (હાલનું બિહાર) નગરીમાં પહોંચ્યા અને ત્યાં તેઓ ૮૦ વર્ષની ઉમરે પરિનિર્વાણ પામ્યા. તેમના અંતિમ સમયે પણ તેમણે સુભદ્ર નામના શ્રમણને આર્ય અષ્ટાંગિક માર્ગ સમજાવ્યો અને દીક્ષા આપી. તેમણે આપેલ અંતિમ ઉપદેશ હતો - " સર્વે સંસ્કાર અનિત્ય છે, અપ્રમાદીપણે પોતાના ધ્યેયની સિદ્ધિમાં વળગ્યા રહો."
ગૌતમ બુદ્ધ વિશે મહાનુભાવોના વિચાર
'બુદ્ધ જયંતી' ને દિવસે ભારત ના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એ કહેલું વાક્ય વિશ્વને એક નવી દિશા દર્શાવે એવું છે. એમણે કહ્યું હતું કે, "વિશ્વએ યુદ્ધ અને બુદ્ધ માંથી કોઈ એકની પસંદગી કરવી પડશે.."
વધુ માહિતી બુદ્ધ પૂર્ણિમા
બુદ્ધ પૂર્ણિમા એ બૌદ્ધ તહેવાર છે જે ગૌતમ બુદ્ધના જન્મની ઉજવણી કરે છે. તેઓ બૌદ્ધ ધર્મના સ્થાપક હતા. બુદ્ધ પૂર્ણિમાનો તહેવાર સમગ્ર વિશ્વમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે.
બુદ્ધ પૂર્ણિમા એ બૌદ્ધ ધર્મના અનુયાયીઓનો સૌથી મોટો તહેવાર છે. તેને 'બુદ્ધ જયંતી' તરીકે પણ ઓળખવામાં આવે છે. બુદ્ધ પૂર્ણિમા વૈશાખ મહિનાની પૂર્ણિમા પર ઉજવવામાં આવે છે. તેથી જ તેને 'વૈશાખ પૂર્ણિમા' પણ કહેવામાં આવે છે.
ગૌતમ બુદ્ધનો જન્મ ઈ.સ. પૂર્વે ૫૬૬માં વૈશાખ પૂર્ણિમાના દિવસે નેપાળના લુમ્બિનીમાં થયો હતો. તેમના પિતાનું નામ શુદ્ધોધન અને માતાનું નામ માયાદેવી હતું. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. સિદ્ધાર્થના પત્નીનું નામ યશોધરા અને તેમના પુત્રનું નામ રાહુલ હતું. લગભગ ૩૦ વર્ષની ઉંમરે જ્ઞાનપ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે ગૃહ ત્યાગ કર્યો. બોધિગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે બેસી સત્ય અને જ્ઞાનપ્રાપ્તિ માટે સાધના શરૂ કરી. ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાનપ્રાપ્તિ બાદ તેઓ સિદ્ધાર્થમાંથી બુદ્ધ થયા. પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ કહેવાયા. બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે. મહાત્મા બુદ્ધનું મહાપરિનિર્વાણ વૈશાખ પૂર્ણિમાના દિવસે કુશીનારા ખાતે ૮૦ વર્ષની વયે થયું હતું.
ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ, જ્ઞાનપ્રાપ્તિ અને મહાપરિનિર્વાણ વૈશાખ પૂર્ણિમાના દિવસે થયું હોવાથી વૈશાખ પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. બુદ્ધ પૂર્ણિમાના દિવસે બૌદ્ધ ઘરોમાં દીવો પ્રગટાવવામાં આવે છે અને ઘરોને ફૂલોથી શણગારવામાં આવે છે. આ દિવસે બૌદ્ધ મઠોમાં પૂજા અને ધ્યાન થાય છે. આ દિવસે એક વાસણમાં પાણી અને ફૂલો ભરીને ભગવાન બુદ્ધની સામે રાખવામાં આવે છે અને ભગવાન બુદ્ધને મધ, ફળ અને ફૂલો અર્પણ કરવામાં આવે છે તથા મીણબત્તીઓ પણ પ્રગટાવવામાં આવે છે. બૌદ્ધ ગ્રંથોનું વાચન કરવામાં આવે છે. બુદ્ધ પૂર્ણિમાના દિવસે દાન અને ધર્મના અનેક કાર્યો કરવામાં આવે છે.
ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે બૌદ્ધ ગ્રંથો ત્રિપિટકમાંથી ઘણી માહિતી મળે છે.
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment