શિક્ષણ , સર્જન , સિદ્ધિ

શિક્ષણકુંજ ઈ મેગેઝીન
Join Us On
Whatsapp
Join Us On
Telegram

ચંદ્રશેખર આઝાદ

ચંદ્રશેખર આઝાદ




भारत की फिजाओं को सदा याद रहूँगा,

आजाद था, आजाद हूँ, आजाद रहूँगा।



           ચંદ્રશેખર આઝાદ (જન્મ : ૨૩ જુલાઈ ૧૯૦૬ – અવસાન : ૨૭ ફેબ્રુઆરી ૧૯૩૧) એ ભારતીય ક્રાંતિકારી હતા. ૧૯૨૨માં મહાત્મા ગાંધી દ્વારા અસહયોગ આંદોલન અચાનક રોકી દેવાતાં તેમની વિચારધારામાં પરિવર્તન આવ્યું અને તે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાઈને હિંદુસ્તાન રિપબ્લીકન એસોશીએશનના સક્રિય સભ્ય બન્યા. આ સંગઠનના માધ્યમથી તેમણે રામ પ્રસાદ બિસ્મિલના નેતૃત્ત્વમાં ૧ ઓગસ્ટ ૧૯૨૪ના રોજ અંગ્રેજ સરકારનો ખજાનો લૂંટવા માટેની યોજના (કાકોરી કાંડ)ને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. ૧૯૨૭માં રામ પ્રસાદ બિસ્મિલ, રોશન સિંહ, રાજેન્દ્રનાથ લાહિડી અને અશફાક ઊલ્લા ખાનના બલિદાન બાદ તમામ ક્રાંતિકારી જૂથોને એક કરી હિંદુસ્તાન સોશીયાલીસ્ટ રિપબ્લીકન આર્મી (HSRA)ની રચના કરી હતી.


પ્રારંભિક જીવન :


             ચંદ્રશેખર આઝાદનો જન્મ ૨૩ જુલાઈ ૧૯૦૬ના રોજ મધ્ય પ્રદેશના અલિરાજપુર જિલ્લાના ભારવા ગામે થયો હતો. તેમનું જન્મ સમયનું નામ ચંદ્રશેખર તિવારી હતું. તેમના પૂર્વજો કાનપુર (વર્તમાન ઉન્નાવ જિલ્લો) પાસેના બદરકા ગામના હતા. તેમના પિતાનું નામ સીતારામ તિવારી હતું. તેમની માતા જગરાની દેવી ઇચ્છતા હતા કે તેમનો પુત્ર એક મહાન સંસ્કૃત વિદ્વાન બને આ માટે તેમણે પુત્ર ચંદ્રશેખરને કાશી વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ માટે મોકલવાનું નક્કી કર્યું.


             ડિસેમ્બર ૧૯૨૧માં જ્યારે મહાત્મા ગાંધીએ અસહકાર આંદોલન શરૂ કર્યું ત્યારે ૧૫ વર્ષની ઉંમરના વિદ્યાર્થી ચંદ્રશેખર પણ તેમાં જોડાયા. આ આંદોલનમાં તેમની ધરપકડ થઈ. ન્યાયાધીશ સમક્ષ ઉપસ્થિત કરવામાં આવ્યા ત્યારે તેમણે પોતાનું નામ આઝાદ, પિતાનું નામ સ્વતંત્રતા અને જેલને ઘર તરીકે ઓળખાવ્યા.


ક્રાંતિકારી પ્રવૃત્તિઓ :


                 ઈ.સ. ૧૯૨૨માં મહાત્મા ગાંધી દ્વારા અસહયોગ આંદોલન અચાનક રોકી દેવાતાં તેમની વિચારધારામાં પરિવર્તન આવ્યું અને તે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાઈને હિંદુસ્તાન રિપબ્લીકન એસોશીએશનના સક્રિય સભ્ય બન્યા અને સંગઠન માટે ફાળો એકત્ર કરવાનું કામ કરવા લાગ્યા. ફાળો મુખ્યત્ત્વે સરકારી ખજાનાની લૂંટ કરીને મેળવવામાં આવતો. તેઓ ૧૯૨૫ની કાકોરી ટ્રેન લૂંટમાં સામેલ હતા. ૧૯૨૬માં વાઇસરોયની ટ્રેનને ઉડાવી દેવાની યોજનામાં તથા લાલા લાજપતરાયની હત્યાનો બદલો લેવા માટે જે. પી. સોન્ડર્સની હત્યાના કાવતરામાં પણ સામેલ હતા.


               કોંગ્રેસના સભ્ય હોવા છતાં પણ મોતીલાલ નહેરૂ નિયમિતરૂપે આઝાદના સમર્થનમાં પૈસા આપતા હતા.


ઝાંસીમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ :


           ચંદ્રશેખર આઝાદે કેટલાક સમય માટે ઝાંસીને પોતાની સંગઠન પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવ્યું હતું. ઝાંસીથી પંદર કિલોમીટર દૂર ઓરછાના જંગલોમાં પોતાના સહયોગીઓ સાથે નિશાનેબાજીનો અભ્યાસ કરતા. પોતે વિશેષજ્ઞ નિશાનેબાજ હોવાને કારણે તેઓ અન્ય સાથીઓને પણ પ્રશિક્ષિત કરતા. તેઓ સતાર નદીને કિનારે એક ઝૂંપડી બાંધીને રહેતા અને પંડિત હરિશંકર બ્રહ્મચારીના છદ્મ નામે બાળકોનું અધ્યાપન કાર્ય પણ કરતા હતા.


અવસાન :


ऐसी जवानी किसी काम की नहीं, जो

अपनी मातृभूमि के काम न आ सके।



               તેઓનું અવસાન ફેબ્રુઆરી ૨૭, ૧૯૩૧ નાં રોજ ઉત્તર પ્રદેશનાં અલ્હાબાદ ખાતે આલ્ફ્રેડ બાગમાં અંગ્રેજો સામેની લડાઇ દરમિયાન થયું હતું. તેમના વિદ્રોહી સાથી વીરભદ્ર તિવારીની બાતમીના આધારે અંગ્રેજ પોલીસે તેમને આલ્ફ્રેડ ઉદ્યાનમાં ઘેરી લીધા હતા. પોતાની તેમજ સાથી સુખદેવ રાજની બચાવ પ્રતિક્રિયામાં તેમણે ત્રણ પોલીસ કર્મીઓને મારી નાખ્યા હતા અને અન્ય કેટલાંકને ઘાયલ કરી સુખદેવ રાજને ભાગી છૂટવામાં મદદ કરી હતી. પોલીસથી ઘેરાયેલા આઝાદે પોતાનો દારુગોળો ખતમ થતાં બચવાનો કોઈ વિકલ્પ ન રહેતાં પોતાને જ ગોળી મારી દીધી હતી. કહેવાય છે કે અંગ્રેજો દ્વારા પકડાઇ જવાની સ્થિતિમાં પોતાની હત્યા માટે તેઓ એક ગોળી અલગ રાખતા હતા. ચંદ્રશેખર આઝાદની પિસ્તોલ અલ્હાબાદ સંગ્રહાલયમાં પ્રદર્શન માટે રાખવામાં આવેલી છે.



આલ્ફ્રેડ પાર્ક, અલ્હાબાદમાં આઝાદનું પૂતળું.



            અંગ્રેજો દ્વારા સામાન્ય જનતાને સૂચના આપ્યા વિના જ ચંદ્રશેખર આઝાદના મૃતદેહને અગ્નિસંસ્કાર માટે રસુલાબાદ ઘાટ પર મોકલી દેવામાં આવ્યો હતો. બાદમાં જ્યારે લોકોને જાણકારી મળી ત્યારે તેમણે બાગને ઘેરી લીધો હતો અને તેમણે બ્રિટિશ શાસન વિરુદ્ધ અને આઝાદની પ્રશંસામાં નારા લગાવ્યા હતા.



આઝાદ અવસાન પામ્યા તે વૃક્ષ, આલ્ફ્રેડ પાર્ક, અલ્હાબાદ (વર્તમાન પ્રયાગરાજ)




ચંદ્રશેખર આઝાદ, ૧૯૮૮ની ટપાલ ટિકિટ પર.







પૈતૃક ગામમાં આઝાદની પ્રતિમા











Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

0 Comments:

Post a Comment

Join us on Facebook Group

Followers

VISITERS